A legacy-driven educational trust inspired by the noble vision

Founder’s Life Journey

સ્થાપકનો જીવનપ્રવાસ

“સાદુ જીવન અને ઉચ્ચ વિચાર”
– સ્વામી વિવેકાનંદ

સ્વ. શ્રી ઠાકોરસાહેબ નટવરસિંહજી સોલંકી (મોગર બાપુ)

સ્થાપક અધ્યક્ષ – પ્રમુખ સોમનાથ કેળવણી મંડળ

જીવન અને પ્રેરણા:

શિક્ષણ, સેવા, સમાજ અને સદ્કર્મના માર્ગ પર અવિરત ચાલનાર એવા મોગર ઠાકોર સાહેબશ્રી નટવરસિંહજી સોલંકી નો જન્મ 13 જાન્યુઆરી, 1915ના રોજ મોસાળ, તાલુકા લખતર, જીલ્લો સુરેન્દ્રનગરના ઝમ્મર ગામમાં થયો હતો. પિતાશ્રી સ્વ. ઠા.સા. કેસરીસિંહજી ગુમનસિંહજી સોલંકી અને માતાશ્રી હીરાબા બાસાહેબના આ સુપુત્રે બાળપણથી જ શિક્ષણ અને સંસ્કારનો સંયમ મેળવ્યો હતો.

બાપુજી એ “સાદુ જીવન અને ઉચ્ચ વિચાર”ના મંત્રને જીવનભર અનુસર્યો. સમાજમાં એકતા, સેવા અને શિક્ષણના ક્ષેત્રે તેમણે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો. “Unity is Strength” – “એકતા એ જ શક્તિ છે” એ સિદ્ધાંતને જીવનમાં ઉતારી, તેમણે સમગ્ર ક્ષત્રિય સમાજને જાગૃત, સંગઠિત અને સ્વાવલંબનના માર્ગે દોરી ગયા.

શૈક્ષણિક દ્રષ્ટિકોણ અને યાત્રા:

1947માં તેમણે “રાજપૂત સમાજ” નામે પત્રિકા શરૂ કરી, જે પછી “ક્ષત્રિય દર્પણ” તરીકે પ્રકાશિત થતું રહ્યું.શિક્ષણને જીવનનો આધાર માની તેમણે સોમનાથ કેળવણીમંડળની સ્થાપના કરી, જેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રકાશથી ઉજ્જવળ ભવિષ્ય મળ્યું.

શૈક્ષણિક યાત્રા અને સંસ્થાઓનું નિર્માણ:

બાપુજીના પ્રેરણાથી સોમનાથ કેળવણી મંડળની સ્થાપના 1974માં થઈ. આજે આ મંડળે અનેક શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરી છે, જે હજારો વિદ્યાર્થીઓને પ્રકાશ તરફ દોરી રહી છે.

  1. જીવન વિકાસ એજ્યુકેશન એકેડેમી, નડીઆદ – 1974થી બાલમંદિરથી ધોરણ 12 સુધીની આધુનિક સુવિધાવાળી શાળા. કોમ્પ્યુટર સેન્ટર, લાયબ્રેરી અને વિજ્ઞાન પ્રયોગશાળા સાથે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિખ્યાત સંસ્થા.
  2. બા શ્રી વસંતકુવરબા કન્યા વિદ્યાલય, ગાંધીનગર | સ્થાપના: 1988-89 – સેક્ટર 28માં આવેલી આ કન્યા વિદ્યાલય આધુનિક હોસ્ટેલ અને કોમ્પ્યુટર સેન્ટર સાથે સ્ત્રી શિક્ષણમાં અગ્રેસર છે.
  3. માધ્યમિક અને પ્રાથમિક શાળા, રાયકા – નંદેસરી | સ્થાપના: 1982 – બક્ષીપંચની હોસ્ટેલ સાથે ચાલતી આ સંસ્થા ગ્રામ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને મફત રહેવા-જમવાની અને શિક્ષણની તક આપે છે.
  4. સોમનાથ હાઈસ્કૂલ અને આશ્રમ શાળા, જોધપુર (બાલાસિનોર) | સ્થાપના: 1982 – આશ્રમ શાળા, કુમાર છાત્રાલય અને બાલવાડી સહિત ચાર સંસ્થાઓ અહીં ચાલે છે, જ્યાં મફત રહેવા અને ભણવાની સુવિધા છે.
  5. શ્રીમતી શારદાબેન આઇ. પટેલ ઇપ્કોવાળા માધ્યમિક શાળા, બગડુ (નડીઆદ) | સ્થાપના: 1983 – શ્રી ઇન્દુભાઇ શેઠના દાનથી ઉભી થયેલી આ શાળા ગ્રામ્ય શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે.
  6. શ્રીમતી એસ.આઇ. પટેલ ઇપ્કોવાળા હાઇસ્કૂલ, ચિખલોડ (કપડવંજ) | સ્થાપના: 1982 – શ્રી ઇન્દુભાઇ શેઠ અને શ્રી રામભાઇ પટેલના સહયોગથી ઊભી થયેલી સંસ્થા, જ્યાં અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર પણ તૈયાર થઈ રહ્યું છે.
  7. આઇ શ્રી ખોડીયાર ઇંગ્લિશ સ્કૂલ, અનગઢ (વડોદરા) | સ્થાપના: 1980 – નદીકાંઠે આવેલ આ શાળામાં આધુનિક શિક્ષણ સાથે નૈતિક મૂલ્યોનો સંચાર થાય છે.
  8. માધ્યમિક શાળા, રણોદરા (દશકોઇ, અમદાવાદ) | સ્થાપના: 1985 – બાપુજીની દ્રષ્ટિએ નાની નગરોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનું ઉદ્દેશ રાખે છે.
  9. બક્ષીપંચ વસંતકુવરબા બાલવાડી, સરદારપુરા (આણંદ) અને ધોળાકુવા (ગાંધીનગર) | સ્થાપના: 1989) – નાનાં બાળકો માટે મફત પ્રાથમિક શિક્ષણની ઉત્તમ પહેલ.
  10. ભગવાનસિંહ છાસટિયા છાત્રાલય, વિદ્યાનગર | સ્થાપના: 1974 – જિલ્લા પછાત વર્ગ અધિકારી નડીઆદને કુમાર છાત્રાલય તરીકે આપવામાં આવેલ છે, જે અનેક વિદ્યાર્થીઓને આશ્રય આપે છે.
બાપુજીનો વારસો:

2004ની 13 એપ્રિલે બાપુજી એ 90 વર્ષની અવિસ્મરણીય જીવનયાત્રા પૂર્ણ કરી પરમધામ પામ્યા. પરંતુ તેમનો સંદેશ, તેમનો આત્મા અને તેમનો કાર્યોત્સાહ આજે પણ જીવંત છે.

તેમનું જીવન “Simple Living and High Thinking” નું જીવંત ઉદાહરણ હતું. અહિંસા, સ્ત્રીશિક્ષણ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રપ્રેમના તેમણે જે સંદેશો આપ્યા, તે આજના યુગમાં પણ પ્રેરણારૂપ છે.

રજત જયંતી નિમિત્તે સંદેશ:

સોમનાથ કેળવણી મંડળે તેની 25મી વર્ષગાંઠ (રજત જયંતી) પ્રસંગે અનેક કાર્યક્રમો યોજ્યા – રમતોત્સવ, આનંદ મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટાફનો સામૂહિક સમારોહ.

આજે પણ મંડળની યાત્રા વણથંભી છે. અદ્યતન સુવિધાઓ, નવી શૈક્ષણિક ઇમારતો અને ટેક્નોલોજીના સાધનો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. બાપુજીના સ્વપ્નને સાકાર બનાવવા આપ સૌનો સહકાર અને આશીર્વાદ એ જ આપણી સૌથી મોટી શક્તિ છે.

“સાદુ જીવન અને ઉચ્ચ વિચાર” – આ જ બાપુજીની વારસાગાથા છે, જે દરેક શિષ્ય, દરેક શિક્ષક અને દરેક સંસ્થાના હૃદયમાં જીવંત છે.

ઘરના પોર:
સ્વ. શ્રી ઠાકોરસાહેબ નટવરસિંહજી સોલંકી
પ્રમુખ, સોમનાથ કેળવણી મંડળ, નડીઆદ

Copyright © 2026 SKM | Designed By SEOWebPlanet Solutions